વર્ષો બાદ બે લંગોટીયા મિત્રો ભેગા થયા અને વાતોએ વળગ્યા. જુની જુની યાદો તાજી કરવાની ખુબ મજા આવી રહી હતી પરંતું જે મિત્રના ઘેર બેસીને વાતો કરતા હતા એ મિત્રનો 5 -7 વર્ષનો નાનો દિકરો વારે વારે આવીને કંઇક પુછ્યા કરે એટલે વાતો કરવામાં મજા ન આવે નાના બાળકને બીજું કંઇ કહેવાય પણ નહી.
છોકરાના પિતા ઉભા થયા અને ઘરમાંથી એક જુનો દુનિયાનો નકશો લઇ આવ્યા. આ નકશાના થોડા ટુકડા કરી નાખ્યા પછી એ ટુકડાઓની સાથે સેલોટેપ પેલા નાના બાળકને આપી અને કહ્યુ કે બેટા આ દુનિયાનો નકશો તુટી ગયો છે તું શાંતિથી બેસીને એને જોડી દે અને પછી સેલોટેપ લગાડીને મને બતાવજે.
છોકરાને કામે વળગાડીને પેલો ભાઇ એના મિત્ર પાસે આવ્યો અને હસતા હસતા કહ્યુ કે એવું કામ આપ્યું છે કે હવે ઉભો થઇ શકે એમ જ નથી એને મેં દુનિયાનો નકશો જોડવાનો કહ્યો છે એ તો સાવ નાનો છે એને ક્યં સમજાય છે કે ક્યો દેશ ક્યાં આવે એટલે હવે એ એમાં લાગ્યો રહેશે આપણે નિરાંતે વાતો કરીએ.
થોડીવાર થઇ ત્યાં છોકરો આવ્યો અને કહ્યુ કે પપ્પા મેં પેલો નકશો જોડી દિધો છે આ ભાઇને થયું કે આડાઅવળું બધું ચોંટાડીને પુરૂ કરી દિધુ હશે પરંતું રૂમમાં જઇને જોયુ તો પેલા ભાઇ તો વિચારતા જ રહી ગયા. આખો નકશો પરફેક્ટ ગોઠવાયેલો હતો. આશ્વર્ય સાથે એણે પોતાના દિકરાને પુછ્યુ કે બેટા તે આ કેવી રીતે કર્યુ ? તને આવું બધું કોણે શિખવાડ્યુ છે ? છોકરાએ કહ્યુ પપ્પા સાચુ કહુ મને તો કંઇ જ ખબર પડતી નથી. પણ આ જુવો એમ કરીને એને દુનિયાનો નકશો ઉલટાવ્યો તો પાછળ માણસનું ચિત્ર હતું મેં તો આ માણસના ચિત્રને જોડી દીધુ અને ટેપ લગાડીને ઉલટાવ્યુ તો નકશો આપો આપ ગોઠવાઇ ગયો.
આપણે દુનિયાને ગોઠવવાના પ્રયાસ કરીએ છીએ પણ માણસ તરીકે આપણે પોતે જ ગોઠવાઇ જઇએ તો પછી દુનિયા આપોઆપ ગોઠવાઇ જશે!