જો એલેક્સ ભારત માં હોત તો …..,

તૈયાર કોન્ક્રીટ વેચતી યુરોપની અગ્રણી કંપની રેડીમિક્સની એન્યુઅલ જનરલ મીટીંગ હતી. ભરપૂર નફો કરી રહેલી કંપનીના શેરધારકો ખુશ હતા. ગયા વર્ષની સફળતાની વાતો થઇ ગઇ હતી, લંચ પતી ગયું હતું, મીટીંગનો ઉત્તરાર્ધ ચાલી રહ્યો હતો. આવતા વર્ષનાં આયોજનોની પણ વાતો થઇ ગઇ હતી. શ્રોતાગણને પ્રશ્નો પૂછવા આમંત્રણ અપાયું. સહુથી પહેલો હાથ ઊંચો થયો આગળ જ બેઠેલી એક મહિલાનો. એને કોર્ડલેસ માઇક આપવામાં આવ્યું. મહિલાએ કહ્યું “આઇ એમ સિન્થિયા બાર્લો. એલેક્સા મેકવીટીઝ મધર.” આટલું જ કહ્યું હતું અને શ્રોતાગણમાં નિરવતા છવાઇ ગઇ. સ્ટેજ પર બેઠેલા બોર્ડ ઓફ ડીરેક્ટર્સના સભ્યો સ્તબ્ધ થઇ ગયા. કોઇને પણ શું કહેવું એ ના સૂઝ્યું.

મૂળ વાત એ હતી કે વર્ષ ૨૦૦૦ના જૂનના એક સવારે અનુભવી સાયકલીસ્ટ એલેક્સ રોજની જેમ કામે જઇ રહી હતી. એક જંકશનથી એને ડાબી બાજુ વળવું હતું એટલે રસ્તાની ડાબી ધારને લગોલગ ઊભી ગ્રીનસિગ્નલની પ્રતીક્ષામાં હતી. એની જમણી બાજુ રેડીમિક્સનું કોન્ક્રીટ મિક્સર – કન્ટેનર હતું, જેને પણ ડાબી બાજુ વળવું હતું. ગ્રીનસિગ્નલ થયું કે તરત જ ડ્રાઇવરે ડાબી બાજુ વાળી દીધું અને ચલાવી મૂક્યું. એલેક્સને ક્યાંય પણ ખસવાનો સમય મળે એ પહેલાં એ વાહનની ઠોકર લાગી, એ પડી ગઇ અને કાંઇ પણ ખબર પડે એ પહેલાં તો કોન્ક્રીટ મિક્સરનાં પાછલાં વ્હીલ એના પર ફરી વળ્યાં. એના ક્ષતવિક્ષત મૃતદેહ સાથે કોફીન ઘરે પહોંચ્યું ત્યારે એની મા સિન્થિયાને કહેવામાં આવ્યું કે એની એક માત્ર સંતાનના મૃતદેહને કોઇ ન જુવે એ જ હિતાવહ છે. ડ્રાઇવરે જાણી જોઇને કરેલી હત્યા ન હતી.

દરેક ડ્રાઇવર ડાબી બાજુના અરીસામાં જોઇને જ વળાંક લે, પણ એલેક્સા એવી જગ્યાએ ઊભી હતી કે ડ્રાઇવરના અરીસામાં પણ ન દેખાય. એલેક્સાનો પણ વાંક ન હતો, ડ્રાઇવર પર ફક્ત બેદરકાર ડ્રાઇવિંગનો કેસ ચાલ્યો. સિન્થિયાને ડ્રાઇવર સામે બદલો નહતો લેવો. પણ એની દીકરી જેવા અસંખ્ય સાયકલીસ્ટોનું સાયકલિંગ સુરક્ષિત બનાવવું હતું. એણે રેડીમિક્સના અધિકારીઓને લખ્યું પણ ખરું, પણ ડ્રાઇવરને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હોય પછી કંપનીના અધિકારીઓ શા માટે વધુ ચિંતા કરે! બહુ બહુ તો દરેક ડ્રાઇવરને વધુ સાવધાની રાખવાનું કહી દેવામાં આવ્યું.

સિન્થિયાને સંતોષકારક ઉત્તરો ન મળતા. એટલે સિન્થિયાએ કંપનીના ચેરમેન સુધી પોતાનો અવાજ પહોંચે એ માટે રેડીમિક્સના શેર ખરીદયા, જેથી એની એન્યુઅલ જનરલ મીટીંગમાં જવાનો અધિકાર મળે અને પોતાનો સંદેશ કંપનીના સંચાલકો સુધી પહોંચાડી શકે. એણે કંપનીના ટોપ ઓફિસર્સને એનો સંદેશ કહ્યો “મિ. ચેરમેન, આપણી કંપનીના એક ડ્રાઇવરે અજાણતાં એક આશાભરી છોકરી પર આપણી જ બ્રાન્ડ સાથેનું કોન્ક્રીટ મિક્સર ફેરવી એના શરીરને છુંદી નાંખ્યું કારણકે એના અરીસામાં એને એ ત્યાં ઊભી હતી એ દેખાયું ન હતું. સર, ભલે હવે આપણે બીજું કાંઇ તો ન કરી શકીએ, પણ કાંઇક એવું તો કરી જ શકીએ ને, કે આપણી કંપનીના ડ્રાઇવરને એના ટ્રકના બ્લાઇન્ડસ્પોટમાં કોઇ ઉભું હોય તો દેખાય!” (બ્લાઇન્ડસ્પોટ એટલે વાહનની બાજુમાંની એવી જગ્યા જે ડ્રાઇવરને અરીસામાં દેખાતી નથી). શેરહોલ્ડરોએ ઊભા થઇ તાળીઓથી એની વાતને વધાવી લીધી. ચેરમેન સાહેબે તાત્કાલિક પગલાં લેવા વચન આપ્યું. કોઇ જ શેરહોલ્ડરને આ કામ માટે કંપની ખર્ચ કરે એની સામે વાંધો ન હતો. બીજા જ દિવસે એક ડીરેક્ટર તો સિન્થિયાને રૂબરૂ મળવા ગયા. રોડ-સેફટી કન્સલ્ટન્ટસ બોલાવાયા. એમણે અનેક પ્રયોગો કરી ટ્રકના બેય બાજુના બ્લાઇન્ડસ્પોટમાં દેખાઇ શકે એવા અરીસા રાખવા સૂચન કર્યું અને ડીઝાઇન સૂચવી. તત્કાલ અમલ થયો. બધું કરવામાં મિલિયન પાઉન્ડથી પણ વધુ ખર્ચો કરીને પૂરા યુરોપમાં કંપનીના હજારો કોન્ક્રીટમીક્સરો પર ૬૦૦ પાઉન્ડના એક એવા અરીસા લગાડવામાં આવ્યા. એલેક્સ મેક્વીટીના મૃત્યુનું કલંક કંપનીની બ્રાંડને લાગી ગયું હતું. હવે વધુ એક મૌત કંપની ખાતે ન લખાવું ન જોઈએ. રેડીમિક્સે આ કર્યું એટલે બીજી એવી અગ્રણી કંપની સીમેક્સે પણ એક ડગલું વધારે ભર્યું અને એમની કંપનીના વાહનો પર ઇલેક્ટ્રોનિક સેન્સર્સ લગાવડાવ્યાં, કે જેથી બ્લાઇન્ડસ્પોટમાં કોઇ હોય તો ડ્રાઇવરને અલાર્મ સંભળાય ડ્રાઇવર જો અરીસામાં જોવું ભૂલી ગયો હોય તો પણ પાસે ઊભેલાને એટલું રક્ષણ.

કોન્વે નામની એક કન્સ્ટ્રકશન કંપની એનાથી ય એક ડગલું આગળ નીકળી. અરીસા અને સેન્સર તો ખરાં જ, પણ લોરીના ટ્રેલરની બેય બાજુઓ પર આગળ અને પાછળનાં પૈડાં વચ્ચે ધાતુની ફ્રેમ બેસાવડાવી, જેથી એલેક્સા જેવા કોઇ સયકલીસ્ટને માનો કે લોરી હડફેટે લે, તો પણ લોરીની નીચે સરકવાના બદલે એ લોરીથી દૂર ફેંકાય. કંપનીઓને આ બધું કરવામાં લાખો પાઉન્ડ – કરોડો રૂપિયા ખર્ચાયા હતા છતાં એમણે એ બધું કર્યું અને એમના શેરહોલ્ડરોને એ ખર્ચાઓ સામે કોઇ જ આપત્તિ ન હતી. કંપનીઓએ પ્રજા પ્રત્યેની ફરજ તરીકે એ બધા ખર્ચા કર્યા હતા.

મિત્રો, સરકાર પણ આ બધાથી અજાણ ન હતી. આ પ્રકારના અરીસાઓ, આ પ્રકારનાં સેન્સરો, અને આ રીતની ફ્રેમોની નવી ડીઝાઇન તાત્કાલિક આદેશથી એક મેન્ડેટરી સ્ટાન્ડર્ડ તરીકે યુકેના દરેકે દરેક ટ્રક પર ફરજિયાત કરી નાંખવામાં આવી. તમને ખબર છે, કે યાત્રાનાં આટલા પ્રકારનાં વાહનોમાં સહુથી સુરક્ષિત વાહન કયું છે! એ છે વિમાન. એનું કારણ એ છે કે વૈમાનિક ઇતિહાસમાં થયેલી  દરેકેદરેક દુર્ઘટનાનું સૂક્ષ્મ વિશ્લેષણ એ ક્ષેત્રના શ્રેષ્ઠ વ્યવસાયિકોએ કરેલું છે. દરેક દુર્ઘટનાનું કારણ બનનાર ભૂલમાંથી શીખીને એ નિવારવાના ઉપાય આંતરરાષ્ટ્રીય ધોરણે તત્કાલ અમલમાં મૂકવામાં આવે છે. એ જ નીતિ દરેક વિકસિત દેશમાં માર્ગદુર્ઘટના માટે પણ છે. મેં પોતે ગ્રેટર લંડનના હેરો કાઉન્સિલના વિસ્તારમાં થયેલી દરેક દુર્ઘટનાનું વિશ્લેષણ  મારા કામના ભાગ રૂપે રીતે ત્રણ વર્ષ કર્યું છે, એને નિવારી શકવાના ઉપાયો વિચાર્યા અને અમલમાં મૂકવા ઓફિસિયલ ભલામણો કરેલી છે.

મિત્રો, બસ આ જ ફેર છે એક સાચી મહાસત્તા, અને મહાસત્તા બનવાના સ્વપ્નો જોવામાં અને દેખાડામાં સમય બગાડનાર દેશ વચ્ચે. મહાસત્તામાં એક એક જીવની કિંમત હોય છે. નાગરિકોના જીવનની કિંમત હોય છે. કંપનીઓ ભરપૂર નફો કરે છે અને ચિક્કાર પૈસા વાપરે પણ છે. આપણને વિચાર પણ ન આવે એવાં એવાં કામોમાં એ કંપનીઓના ડિરેક્ટર્સ પૈસા વાપરી જાણે છે. છતાંય જયારે દૂરગામી લાભ માટે ખર્ચ કરવાની વાત આવે છે ત્યારે એ ખર્ચ માટે એને ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે.

એકલા બ્રિટનમાં જ રેડીમિક્સનાં દોઢ હજાર કોન્ક્રીટ મીક્સર્સ હતાં. પૂરા યુરોપમાં તો કેટલાં ય હશે. છતાં એ ખર્ચો પાડી દેવામાં એમના પેટનું પાણી ન હલ્યું. આપણે તો અહીં કોન્ટ્રાક્ટરની સામે થનાર મજૂરને કોન્ક્રીટના પાયામાં દાટી દેવાની કે ભઠ્ઠીમાં ફેંકી દેવાની વાતો પણ સાંભળી છે. અને મિત્રો, રેડીમિક્સ, સીમેક્સ, કોન્વે જેવી કંપનીઓના ડિરેક્ટર્સ, અને એમણે પૈસા ખર્ચી સ્થાપેલા નવા માનદંડોને એક નિયમ તરીકે તત્કાલ અમલમાં મૂકાવનાર રાજકારણીઓ જેમ બ્રિટનની પ્રજામાંથી આવે છે તેમ દેશમાં માર્ગદુર્ઘટનાઓમાં દર ચાર મિનિટે એક મોત થતું હોવા છતાં જેમના પેટનું પાણી નથી હલતું એવા સરકારી અમલદારો, મજૂરોનું શોષણ કરનાર કોન્ટ્રાક્ટરો, એમનાં પગનાં તળિયાં ચાટનારા રાજકારણીઓ, એમને રક્ષનારા અને ગુના કર્યા પછી બક્ષનારા સુરક્ષાકર્મીઓ ભારતની પ્રજામાંથી – આપણામાંથી જ આવે છે. આ બધા તો ફક્ત હવેડાનું પાણી છે. કૂવો આપણે છીએ. હવે કહો મિત્રો, સ્વચ્છતા પહેલાં ક્યાં કરવાની જરૂર છે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s