જીનેકા બહાના

હું ભારતનાટ્યમ્ કરીશ.

હેં! શું! ગાંડી થઇ છે!

ના. ભારતનાટ્યમ્. એ જ તો કરવા વર્ષો સાધના કરી હતી!

પણ બેટા, ઘણું છે બીજું જે તું કરી શકે! તને તો ઈશ્વરે કલાવરદાન આપ્યું છે. ચિત્રો બનાવ, શિલ્પ કર, પણ ભારતનાટ્યમ્ રહેવા દે બેટા. તારાથી નહીં થાય. તારી હાલત તો જો! પરિશ્રમ કરવાની ચોખ્ખી મનાઇ છે. ચોવીસ કલાકમાં એક લીટરથી વધુ ખોરાક-પાણી લેવાની ય મનાઇ છે. દસ વર્ષથી તો તેં નૃત્ય કરવું છોડી ય દીધું છે. અને આવી હાલતમાં ભારતનાટ્યમ્ કરવું છે!

અરે, આ જ તો સમય છે! અત્યારે ન કરું તો ક્યારે કરું!

છોકરી ન માની તે ન જ માની.

———————————-

છવ્વીસ વર્ષની નિકેતા નિત્યક્રમ પ્રમાણે ડાયાલીસીસ કરાવવા નડિયાદની મૂળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પીટલમાં આવી હતી અને એની સાથે જ દર વખતે ડાયાલીસીસ કરાવતાં એક બહેન એક દિવસ ન આવ્યાં. પૂછ્યું મેડીકલ સ્ટાફને કે એ કેમ નહતાં આવ્યાં!

કારણકે વધુ ડાયાલીસીસ કરાવવાના પૈસા એમની પાસે નથી; એટલે હવે વધુ દાખડા કર્યા વિના દવાના સહારે જીવાય એટલું જીવશે.

પણ એ જીવવું એટલું સહેલું નથી એ નિકેતાને ખબર હતી. શાંત થયા પહેલાં શરીર એ બેનને દારુણ યાતનાનો સ્વાદ ભરપૂર ચખાડવાનું હતું. ન કર્યા અપરાધોની ય માણસ કુદરત પાસે માફીઓ માંગવા માંડે એવી પીડા આપવાનું હતું. નિકીને એની ખબર હતી કારણકે એનો એ સ્વાનુભવ હતો. એને એકાંતરે દિવસે ડાયાલીસીસ કરાવવું પડતું. ડાયાલીસીસ કર્યા પછી લોહી સ્વચ્છ થતું એટલે રાહત થતી. પછી ઊંઘ આવતી. પણ એ ઊંઘ દરમ્યાન શરીરે એનાં અંગેઅંગને જાણે અંદરથી સોયો ભોંકવાનું નક્કી જ કર્યું હોય એમ યુરિયા, યુરિક એસીડ અને એવો કચરો ભેગો કરવાનું શરુ કરી જ દીધું હોય. એટલે જાગે કે તરત જ શરીર એ કચરાનો નિકાલ માંગતું. પણ એના માટે ડાયાલિસીસની રાહ જોવી પડતી. ડાયાલિસીસ પછીની ઊંઘ એ જ નિકેતા માટે આરામનો સમય. જાગ્યા પછી ભયંકર અસુવિધા.

સ્વસ્થ શરીરમાં તો કુદરતે એ કચરો લોહીમાંથી જ ગાળી લેવા બે બે મૂત્રપિંડ આપ્યા છે. પણ નિકીના બેય મૂત્રપિંડોએ એ ષોડશી હતી ત્યારે જ રાજીનામું આપી દીધું હતું.

મા રેણુકાબેને દીકરીને કિડનીદાન કરી નવું જીવન આપ્યું. એ નવજીવન દસ વર્ષનું હતું. દસ વર્ષ પછી એ કીડની પણ રિસાઇ ગઇ.

ત્યારથી શરુ થયું હતું નિયમિત ડાયાલિસીસનું દુઃખમય ચક્ર. એકાંતરે દિવસે નિકેતાએ બે અઢી કલાક ડાયાલિસીસ કરાવવું પડતું. એમાં જ દોસ્તી થઇ બીજા સમદુખિયા દર્દીઓ સાથે. જે પીડા એ લોકો ભોગવતા હતા એ પીડા એણે પોતે જાણી હતી.

એટલે જયારે એની સાથે નિયમિત ડાયાલિસીસ કરાવવા આવતાં બહેન ન આવ્યાં ત્યારે પૂછ્યું કે બહેનપણી કેમ એ દિવસે ન આવી!

પણ મેડીકલસ્ટાફના જવાબે, કે એની પાસે પૈસા ખૂટ્યા હતા, એને બેચૈન કરી મૂકી હતી. રોતી આંખોએ નિકીએ કહ્યું “નથી જીવવું મારે.”

આવી હાલતમાં કોઇ કહે કે મારે જીવવું નથી, તો આપણું ય મન કહે જ કે હા, વાત તો સાચી છે. કોણ જીવે આવી પીડા સાથે!

પણ ડોક્ટર રાજા પુરકરે એમની દીકરી જેવી થઇ ગયેલી નિકીને કહ્યું કે બેટા, એક દિવસ તો એ ય થશે જ. તારા માટે કદાચ એ થોડું વહેલું થશે, પણ ત્યાં સુધીમાં તારા જ દર્દી ભાઇબહેનો માટે કાંઇક કર ને!

એટલે નિકીએ કહ્યું કે મારે ભારતનાટ્યમ્ કરવું છે.

કોઇની મનાવી માની નહીં. છોકરી જિદે ચડી હતી.

આવી દર્પણ એકેડેમીમાં, જ્યાં એ બાળપણમાં ભારતનાટ્યમ્ શીખી હતી. ચૌદ વર્ષની ઉંમરે આરંગેત્રમ્ – એટલે કે મંચ પર પદાર્પણ કર્યું હતું. પ્રેક્ષકોની પ્રશંસા અને ગુરુઓની શાબાશી મેળવી હતી. પણ સોળમા વર્ષે તો બંને કિડનીઓ બગડી ગઇ. નૃત્ય તો એ પછી સ્વપ્ને ય યાદ ન આવે.

દર્પણમાંથી એને ના પાડવામાં આવી કે એના જીવને જોખમ છે માટે એ નૃત્યનો વિચાર છોડી જ દે તો સારું. પણ એક ગુરુ મળ્યા – એશિયા સ્કુલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના બિજોય શિવરામ, જેમણે એની સુંદર આંખોમાં દ્રઢ નિશ્ચય જોયો, અને હીર પારખી શક્યા. એક તપસ્યામાં સહાય કરવાનું આમંત્રણ હતું. એમણે નિકીને ફરી ભારતનાટ્યમનો અભ્યાસ શરુ કરાવ્યો.

કીડનીના રોગીને સ્ટીરોઇડસ લેવી પડે છે. એના લીધે એમનું શરીર ખૂબ સૂજી જાય છે, વજન વધી જાય છે, શરીર પર વાળ ઉગવા માંડે છે. નિકીને પણ મૂછો ઉગવા માંડી હતી. એ પણ જાડી થઇ ગઇ હતી. છતાં એણે તો પગે બાંધ્યા ઘૂંઘરું.

શરુ થયો અભ્યાસ. કિડનીના રોગીને પરિશ્રમ કરવાની સ્પષ્ટ મનાઇ હોય છે પણ આને ક્યાં જીવનની પડી હતી! છોને આવતું મોત! કાલ આવતું હોય તો આજ આવે પણ મૈ તો નાચુંગી.

એકાંતરે દિવસે ડાયાલિસીસ તો ચાલુ જ હતાં. છતાં લગભગ એક વર્ષ એણે ભારતનાટ્યમનો ભૂલાઇ ગયેલો અભ્યાસ તાજો કર્યો. એ જ જાણે, કે ક્યાંથી આવતી હતી એ ઊર્જા! ભારે શરીર વાળી જાડી નિકી લિયોનાર્ડોની મરિયમ જેવી સપ્રમાણ થઇ ગઇ. મેડીકલ સાયન્સ માટે મોટું આશ્ચર્ય.

અને એક દિવસ જાહેરાત કરી કે નિકેતા કિડનીના નિર્ધન રોગીઓના લાભાર્થે ભારતનાટ્યમ્ કરશે.

હાહાકાર થઇ ગયો. શું માંડ્યું છે આ છોકરીએ! ચક્કર ખાઇને પડશે સ્ટેજ પર. રમત સમજ્યું છે ભારતનાટ્યમને!

છતાં દૈવી નૃત્યાંગના જેવી નિકી સોળ શણગાર કરીને સજીધજીને સ્ટેજ પર આવી જ. એ વીસ મિનીટ ભારતનાટ્યમ્ કરશે એવું આયોજન હતું. નેપથ્યમાં ડોકટરો અને સહાયક મેડીકલ સ્ટાફ હાજર. મોબાઇલ ડાયાલિસીસ મશીન પણ હાજર. હાથમાં ઇન્જેકશનો, ઓક્સીજન માસ્ક, ને એવું બધું તૈયાર જ રાખ્યું હતું. જેવી નિકી ચક્કર ખાઇને પડે કે સ્વિચઓન જ કરવાનું હતું અને એમ થવાની જ સંભાવના હતી. વાતઝલી છોકરીએ બધાના જીવ અદ્ધર રાખ્યા હતા.

પણ,

પોણો કલાક. જી હા. પોણો કલાક પગ ઘૂંઘરું બાંધીને કોણ જાણે કઇ મસ્તીમાં આ મીરા નાચી!

અને મેડીકલ સારવારની બિલકુલ જરૂર ન પડી. આટલા નર્તન પછી પણ નિકેતા સંપૂર્ણ સ્વસ્થ હતી.

બસ, જીનેકા બહાના મિલ ગયા. મળી ગયું જીવન જીવવાનું કારણ. આજ મેરે જમીં પર નહીં હૈ કદમ, કરણ કે હવે એ કદમો નૃત્ય કરતા હતા.

નિકેતાએ પોતાના હમદર્દ – સમદુખિયા જીવો માટે નૃત્ય શરુ કર્યું. કોઇ દર્દી પૈસાના અભાવે ડાયાલિસીસ કરાવ્યા વગર ન જવો જોઇએ.

ભલે એનું ભારે શરીર સપ્રમાણ થઇ ગયું, પણ એનો રોગ મટ્યો ન હતો. ડાયાલિસીસ તો એકાંતરે દિવસે ચાલુ જ હતાં. ડાયાલિસીસ પછી જ શરીરને થોડી વાર સારું લાગતું અને ઊંઘ આવતી. શરીરમાં વળી પાછો કચરો ભરવાનો શરુ થાતો જ અને વળી પાછી ન કહી શકાય કે ન સહી શકાય એવી બેચૈની પણ ખરી જ. છતાં નિકેતા ભારતનાટ્યમનો અભ્યાસ કરતી. ભારતવર્ષમાં બાર વર્ષ સુધી એણે એક પછી એક નૃત્યના કાર્યક્રમો કર્યા. એણે તો ઝોળી હાથમાં રાખી હતી અને બાર વર્ષમાં પોણો કરોડથી વધુ રૂપિયા ભેગા કર્યા.

બહુ દુઃખ થાય છે મિત્રો કે સાવ બકવાસ એવી બે ફિલ્મો પાછળ આપણે એક જ અઠવાડિયામાં પાંચસો કરોડ રૂપિયા ઉડાડી દઈયે છિયે પણ આપણા રોગી ભાઇબહેનોના સ્વાસ્થ્યલાભાર્થે પોણો કરોડ રૂપિયા ભેગા કરવામાં નિકેતાને બાર વર્ષ લાગ્યાં. એ પણ કેટલી પીડા સહન કરીને! એને પણ મરી જ જવું હતું. પણ ડોક્ટર રાજાપુરકર જેવા મહાપુરુષના એક પ્રશ્ને એનામાં જિજીવિષા પ્રગટાવી અને જીવવું પણ કોના માટે! કિસ લિયે જીતે હૈ હમ, કિસકે લિયે જીતે હૈ, એ એણે તરત જ નક્કી કરી લીધું.

એના સર્જનહારને કલ્પના ય નહીં હોય એવું કામ કર્યું એણે. કુદરતની પણ એ એક્સિડેન્ટલ એકસેલન્સ જ હતી કારણકે આવું જીવન તો અપવાદ કહેવાય. એમ ન હોત તો આવાં જીવન એ વારંવાર ન બનાવત!

એણે પીડા ભોગવી, કારણકે કોઇ નિર્ધન રોગીની પીડા ઓછી થાય. એ વેદના સાથે જીવી કારણકે બીજાને એવી વેદના ન થાય. એક દિવસ શરીર પણ થાક્યું. નિકેતા વધુ નૃત્ય કરી શકે એમ ન હતી. થોડા દિવસ પહેલાં નિકેતાને આઇસીયુમાં દાખલ કરી. હવે એ એની લીલા સંકેલવા તૈયાર હતી. મિત્રો, સ્વજનો ય એને વિદાય આપવા તૈયાર હતા. બસ બેટા, હવે વધુ વેદના સહન નહીં કર તો ચાલશે. તું તારે સિધાવ. કર પ્રયાણ આગળની યાત્રા માટે.

અને ગઇ કાલે બપોરે નિકીએ મિત્રો, સ્વજનોની હાજરીમાં જ પિસ્તાલીસ વર્ષ જતનથી ઓઢી હતી એ ચદરિયા જ્યોંકી ત્યોં ધરી દીધી.

આ ઊર્જા જ છે શક્તિ. આ જ છે જગન્માતા જગદંબા કુંડલિની, અને આ જ છે એનું જાગરણ. આને જ કહે છે જગદંબાની સાચી આરાધના. આ જ છે યોગ. આ જ કર્મયોગ, આ જ હઠયોગ. અને નિકેતા હતી સાચી યોગિની, કર્મયોગિની, હઠયોગિની.

નિકેતા, તું જીવી ગઇ.

શત શત વંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s