ત્રણવાર દુ:ખી

બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો.

એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ કહ્યુ , ” યાર , આપણા બંનેની પાસે બધુ જ સરખુ છે તો આપણને આનંદ પણ સમાન મળવો જોઇએ છતા પણ એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તનાવમાં જીવું છું. ? મારા જીવનમાં આવે છે એવી કોઇ સમસ્યા કે દુ:ખ શું તારા જીવનમાં આવતા જ નથી ? “

બીજા મિત્રએ કહ્યુ , ” ભાઇ , પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલી જ છે જેટલી તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઇએ છીએ અને તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે. ” દુ:ખી રહેતા મિત્રએ કહ્યુ , ” તારી વાત બીલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવુ શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્ણ જીવન જીવી શકે છે ? ”

પોતાના મિત્રના ખભા પર હાથ મુકીને જવાબ આપતા બીજા મિત્રએ કહ્યુ , ” અરે મારા વ્હાલા દોસ્ત, તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે જીવનમાં આવતા દુ:ખોને કારણે હું માત્ર એક જ વાર દુ:ખી થાવ છું. અને તું એક જ દુ:ખ માટે ત્રણવાર દુ:ખી થાય છે. 1. દુ:ખ કે સમસ્યા આવવાની હોય ત્યારે એના સતત વિચારો કરીને 2. દુ:ખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે અને 3. દુ:ખ કે સમસ્યા જતા રહે ત્યારબાદ એને વારંવાર યાદ કરીને. જીવનમાં આવતી સમસ્યાથી મને એક વખત તકલીફ પડે છે અને તને ત્રણવાર તકલીફ પડે છે”

આપણે બધા પણ એક જ સમસ્યા માટે ત્રણવાર દુ:ખી થનારા માણસો છીએ. ભવિષ્ય માટે સજાગ જરુર બનીએ પણ હજુ જે બન્યુ જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ અને ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લઇને આગળ વધીએ.

હથેળી બંધ છે ને , કાલ પણ એમાં સલામત છે ,
છતાંયે બીક રાખી , આજ કેવી સળવળે છે..જો..!