મૃત્યુ અને કોમ્પ્રોમાઇઝ

એકવખત દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ દ્વારા એક એવી જાહેરાત થઇ જેણે દુનિયાના બધા લોકોને હાંફળાફાફળા કરી દીધા. પૃથ્વીથી પણ વિશાળ કદનો કોઇ ગ્રહ એની ભ્રમણકક્ષામાંથી ભટકી ગયો અને પૃથ્વી તરફ આવી રહ્યો હતો. માત્ર 30 દિવસના ટુંકાગાળામાં જ આ ગ્રહ પૃથ્વી સાથે ટકરાવાનો હતો. તમામ ખગોળશાસ્ત્રીઓ એકમત જ હતા કે 30 દિવસ બાદ પૃથ્વીનો નાશ થઇ જશે.

જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા કારણકે જીવવા માટે હવે માત્ર 30 દિવસ બચ્યા હતા. આગાહી ખુબ જ સચોટ હતી અને એક લાલચટાક ગ્રહ રોજે રોજ પૃથ્વીથી નજીક આવતો લોકો પણ જોઇ રહ્યા હતા.

કેટલાક દંપતિઓએ છુટાછેડા લેવા માટે કોર્ટમાં કેઇસ ફાઇલ કર્યા હતા એ બધાએ, ‘ હવે થોડા દિવસ જ વધ્યા છે તો સાથે જીવી લઇએ’ એ ભાવના સાથે પોતાના કેઇસ પાછા ખેંચી લીધા. કેટલાક પોતાના સગા ભાઇ કે બહેન પાસે અમુક રકમો માંગતા હતા અને જો રકમ ન આપે તો પોલીસકેઇસ કરવાની ઘમકીઓ આપતા હતા એ બધાએ સામે ચાલીને રકમ માંડવાળ કરી દીધી ઉલટાનું હજુ બીજી રકમ જોઇતી હોય તો એ લઇ જાવ એમ કહ્યુ. ઘણાને પોતાના મિત્રો સાથે કોઇ ઘટનાને લઇને અબોલા હતા એ બધાએ અબોલા તોડી નાંખ્યા અને બાકીના દિવસો મિત્રો સાથે મોજથી વિતાવવાનું નક્કી કર્યુ. કેટલાક યુવાનો વૃધ્ધાશ્રમમાં જઇને ત્યાં રહેલા પોતાના માતા-પિતાને ઘરે લઇ આવ્યા. આખી દુનિયા જાણે કે પ્રેમ અને ભાઇચારાના સનાતન સિધ્ધાંતને અપનાવી ચુકી હોય એવુ લાગતું હતું.

થોડા દિવસ બાદ ખગોળશાસ્ત્રીઓએ જાહેર કર્યુ કે આપણા માટે આનંદના સમાચાર છે. પૃથ્વી તરફ આવી રહેલા ગ્રહે એની દિશા બદલી નાંખી છે અને હવે આ ગ્રહ પૃથ્વીથી દુર જતો રહેશે આપણને કોઇને કોઇ પ્રકારનું નુકસાન નહી થાય. જાહેરાત સાંભળતા જ લોકો આનંદમાં આવી ગયા. નાચવા અને ગાવા લાગ્યા.

જાહેરાત થયાના બીજા જ દિવસથી ફરી પાછા છુટાછેડા માટેની ફાઇલો ચાલુ થઇ, જે ભાઇ બહેનોએ માંગણાની રકમ જતી કરી હતી એની ઉઘરાણી શરુ થઇ, મિત્રો સાથે ફરીથી અબોલા થઇ ગયા અને મા-બાપ પાછા વૃધ્ધાશ્રમમાં પહોંચી ગયા.

મિત્રો, આપણે સૌ મૃત્યુ માટે કેટલુ બધુ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઇએ છીએ પણ જીવન માટે કેમ કોઇ કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા. શું આપણા માટે જીવનનું મહત્વ મૃત્યુ કરતા પણ ઉતરતુ છે ?