વોટ્સએપ…

એન્જીનીયરીંગ વિદ્યાશાખાઓમાં ડીગ્રી કોર્સના છેલ્લા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગ રૂપે છેલ્લા છ મહિનામાં પોતે જે ભણ્યા હોય એનો ઉપયોગ કરીને કંઇક એવું બનાવવાનું હોય છે જે વ્યવહારિક જીવનમાં કામનું હોય. આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓ ચોથું સેમેસ્ટર પૂરું થાય ત્યારથી જ કંપનીઓનાં બારણાં ખખડાવવા માંડતા હોય છે. મોટાભાગે કંપનીઓ એમને ત્યાં ચાલતા કોઇ પ્રોજેક્ટ માટે આવા વિદ્યાર્થીઓની મદદ લઇ લેતા હોય છે. સારી કંપનીઓ તેજસ્વી વિદ્યાર્થીઓને એ છ મહિના એમને ત્યાં કામ કરવાના બદલે મહેનતાણું પણ આપતી હોય છે. મોટાભાગના જોકે વિદ્યાર્થીની ગરજનો લાભ લઇ એમની પાસે મફતમાં જ સારું એવું કામ કઢાવી લેતા જોયા છે.

વર્ષ ૨૦૦૫માં દક્ષિણભારતની એક એન્જીનીયરીંગ કોલેજમાં કમ્પ્યુટર સાયન્સની બે તેજસ્વિની વિદ્યાર્થિનીઓને પણ એમના પ્રોજેક્ટવર્ક તરીકે કંઇક એવું બનાવવાનું હતું કે જે વ્યવહારિક હોય, કામ લાગે એવું હોય.

બીજા બધા વિદ્યાર્થીઓની જેમ એમણે પણ સ્વપ્નો જોયાં હતાં કે કમ્પ્યુટર એન્જીનીયરીંગ ભણી મલ્ટીનેશનલ કંપનીમાં કામ મળી જશે. ખૂબ સારું વેતન હશે, સંપન્ન જીવનશૈલી જીવવા મળશે, વિદેશયાત્રાઓ કરવા મળશે, કદાચ અમેરિકા જેવા વિકસિત દેશમાં વસવા પણ મળશે, પ્રગતિની નવી તકો ખુલી જશે, જે આર્થિક સંકડામણ માતાપિતા અને પૂર્વજોએ જોઇ હતી એનાથી કાયમી મુક્તિ મળી જશે. માતાપિતા ગૌરવ લઇ શકશે. દેશ માટે સહુથી વધુ વિદેશી હુંડીયામણ ખેંચી લાવતા ઉદ્યોગમાં યોગદાન કરવા મળશે. એવું ઘણું ઘણું કરવા મળશે જે એમના કુળમાં પહેલાં કોઇએ ક્યારેય નહતું કર્યું.

એમણે એમના પ્રોજેક્ટ માટે કોઇ કંપનીની મદદ ન માંગી. એમણે જાવા પ્લેટફોર્મની માઇક્રો એડીશન ટેકનોલોજી વાપરીને એક એપ્લીકેશન બનાવી, જે જાવામાં લખાયેલ પ્રોગ્રામ વાંચી શકે એવા બે કે એથી વધુ મોબાઇલ ફોન વચ્ચે ટેક્સ્ટ બેઝ્ડ કોમ્યુનીકેશન કરી શકે (અત્યારે માઈક્રોસોફ્ટ સિવાયના ૧૦૦% ફોન જાવાથી જ ચાલે છે). એપ્લીકેશનમાં સાઇન-અપ વખતે જ સીમકાર્ડનો નંબર જ ઓટોમેટીકલી યુઝરનો યુનીક આઇડેન્ટિફિકેશન કોડ બની જતો હતો. એ યુઝરની એડ્રેસબુક વાંચી શકતી હતી અને એના કોન્ટેક્ટ લીસ્ટમાં કોના કોના ફોનમાં આ એપ્લીકેશન છે અને કોના ફોનમાં એ નથી એ કહી શકતી હતી. એકબીજાને એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા આમંત્રણ મોકલી શકાતાં હતાં. એમાં ઇમોટીકોન્સ  પણ હતાં. અને બે ફોન ફક્ત ઇન્ટરનેટ જ નહીં, ઇન્ફ્રારેડ સિગ્નલથી પણ ‘નેટવર્ક’ બનાવી શકતા હતા. એપ્લીકેશનનું નામ હતું મોમ (MoM) – મેસેન્જર ઓન મોબાઇલ (અત્યારે આ બધું આપણને સામાન્ય લાગે છે, પણ એની જ વાત આગળ આવે છે).

પ્રયોગ સફળ રહ્યો. યુનિવર્સિટીના પ્રોફેસરો દંગ રહી ગયા. પરીક્ષા લેવા બહારથી આવનારા અને ઉદ્યોગમાં ઉચ્ચ કક્ષાઓ પર કામ કરનારા વ્યવસાયિકો ખુશ થઇ ગયા. પૂરા માર્ક્સ મળ્યા. વાહવાહી થઇ ગઇ.

અને છેલ્લે, એમણે જે સ્વપ્ન  છેલ્લાં ચાર વર્ષ સેવ્યું હતું એ તાત્કાલિક સાકાર થઇ ગયું. ટીમમાંથી એક જણી સ્કોલરશીપ લઇ માસ્ટર્સ ડીગ્રી કરવા અમેરિકા ઉપડી ગઇ. બીજીને અત્યારે વિશ્વમાં જે દસમા ક્રમની સોફ્ટવેર કંપની છે એ કોગ્નીઝન્ટમાં સીધું જ પ્રોડક્ટ મેનેજમેન્ટમાં કામ કરવા આમંત્રણ મળ્યું.

પ્રોજેક્ટનાં કાગળિયાં ફાઇલમાં બંધ થઇ માળિયે ચડી ગયાં. કોગ્નીઝન્ટમાં નવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા મળતું, ખૂબ શીખવા મળતું. પગાર પણ ખૂબ સારો. જિંદગીની ગાડી પાટે ચડી ગઇ અને પૂરપાટ દોડી રહી હતી. લગ્ન થયાં. સંસાર પણ સુખે ચાલવા લાગ્યો.

પણ, ૨૦૦૯માં એક નવી એપ્લીકેશન બજારમાં આવ્યાના સમાચાર મળ્યા. એણે પણ જોવા માટે એના ફોનમાં ડાઉનલોડ કરી. પણ જોઇ ત્યારે એના માનવામાં ન આવ્યું કે એ એપ્લીકેશનમાં એવું કાંઇ પણ ન હતું, જે એના મોમમાં ન હતું, જે  એણે ચાર વર્ષ પહેલાં એના પ્રોજેક્ટવર્ક તરીકે બનાવ્યું હતું.

એ એપ્લીકેશનનું નામ વોટ્સએપ.

એક ઘડી તો હૃદયમાં સંચાર બંધ થઇ ગયો. મન નિર્વિચાર થઇ ગયું. શું કહેવું એ પણ સૂઝ્યું નહીં. તેજસ્વી કર્ણને જોઇને કુંતીને જે ભાવ થયો હશે એવો ભાવ એના મનમાં થયો કે “આ તો મારું સંતાન”. પણ એ કહે, તો પણ કોઇ માને એવું ન હતું.

હશે, મારા ભાગ્યમાં આ યશ નહીં લખાયો હોય એમ વિચારી મન મનાવી લીધું. કોગ્નીઝન્ટમાં વહી રફતાર શરુ થઇ ગઇ. દિવસો, વર્ષો વીતતાં ગયાં.

પણ ૨૦૧૫માં ફેસબુકના માલિકોએ એ એપ્લીકેશન ખરીદવાના પૂરા સોળ બિલિયન ડોલર્સ ચૂકવ્યા ત્યારે મન રડી પડ્યું કે “મારા ભાગે આવનારા નવ બિલિયન ક્યાં!”

બસ મિત્રો, વાર્તા આટલી જ છે. સત્યઘટના છે. અને જેની આ વાત લખી છે એ તેલુગુ બ્રાહ્મણકન્યા સમતા ચાગન્તીનો ફોટોગ્રાફ તમે લેખ વાંચવો શરુ કર્યા પહેલાં જ જોયો છે.

વાંક કોનો! કોના વાંકે સમતા એ યશને ન પામી જેના માટે એ સુપાત્ર હતી!

ધ્યાનથી વાંચજો મિત્રો, સમતા એમ નથી કહેતી કે એનો વિચાર ચોરાઇ ગયો. એક જ વિચાર ઘણાને આવી શકે છે, અને ટેકનોલોજી વિશ્વમાં તો ખાસ. અને ખબરદાર કોઇએ અવિશ્વાસ કર્યો છે તો, કે એક વસ્તુ સફળ થાય એટલે એની માલિકી માટે હજારો દાવેદારો ઊભા થઇ જાય છે.  (યશ એના પણ ભાગ્યમાં ન હતો જેના માટે એ પોતે જવાબદાર હતો).

એટલે આ પ્રશ્ન પૂછું છું કે તમારા મતે એવાં શું કારણો હતાં કે આપણી સમતા ઉજ્જવળ યશ, અને પ્રતિષ્ઠા, અને ખાસ તો એના ભાગે આવનારા નવ બિલિયન ડોલર્સથી વંચિત રહી ગઇ?