દ્રઢ મનોબળ

એક ગામ હતું. આ ગામમાં આવેલી એક શાળામાં કાતિલ ઠંડીથી બચવા માટે અને શાળાને હુંફાળી રાખવા માટે એક ચુલો રાખવામાં આવેલો હતો. ગ્લેન નામના એક છોકરાને રોજ વહેલા આવીને આ ચુલામાં કોલસા ભરીને પેટાવવાની જવાબદારી સોંપેલી હતી. એકદિવસ ગ્લેન તેના મોટાભાઇ ફ્લોઇડ સાથે ચુલો પેટાવવા માટે વહેલી સવારે શાળાએ આવ્યો. કોઇએ કેરોસીનના કેનની જગ્યાએ ભુલથી ગેસોલીનનુ કેન રાખી દીધેલુ જેના કારણે આગલાગી જેમાં 13 વર્ષનો ફ્લોઇડ મૃત્યુ પામ્યો અને 8 વર્ષનો ગ્લેન બચી ગયો.

ગ્લેનના બંને પગ ગંભીરરીતે દાઝી ગયા હતા. બેભાન અવસ્થામાં ગ્લેનને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો. ડોકટરોએ નીદાન કરીને કહ્યુ કે આ છોકરો હવે એની જીંદગીમાં ક્યારેય એના પગ પર ઉભો નહી રહી શકે. ગ્લેનનો કમર નીચેનો ભાગ નિર્જીવ થઇ ગયો હતો.

ગ્લેન ડોકટરની આ વાત સ્વિકારવા તૈયાર નહોતો એને ભગવાન પર ખુબ શ્રધ્ધા હતી.બીજાની મદદ વગર કંઇ જ ન કરી શકતા ગ્લેને એના માતા-પિતાને કહ્યુ , ” હું મારા પગ પર ચાલતો થઇશ ભગવાન મને તે માટે મદદ કરશે.” ગ્લેનને માતા-પિતાનો સહકાર મળ્યો. એની માતા રોજ એના પગ પર માલીશ કરી આપતી. કલાકો સુધી એ અમુક પ્રકારની કસરત કરતો રહેતો.

કોઇ પરિણામ ન મળવા છતા પણ નિરાસ થયા વગર એણે પ્રયાસો ચાલુ રાખ્યો. ઘરના ફળીયામાં પગને ઢસડીને , ખેંચીને ચાલવાની શરુઆત કરી. ધીમે ધીમે એની હીંમત અને મહેનતને લીધે એ લંગડાતા- લંગડાતા ચાલતા શીખ્યો. બે વર્ષની સખત મહેનત બાદ એ પોતાના પગ પર ચાલતો થયો. હવે તો એણે દોડવાની પણ શરુઆત કરી અને દોડ સ્પધાઓમાં ભાગ લેવાનું ચાલુ કર્યુ.

25 વર્ષની ઉંમરે 1934માં ગ્લેન કનિંગહામે વિશ્વ ઓલંપિકમાં માત્ર 4 મીનીટ 6 સેકન્ડમાં 1 માઇલ દોડીને વિશ્વવિક્રમ બનાવ્યો. 1936માં એણે પોતાનો જ રેકોર્ડ તોડીને 4મીનીટ અને 4 સેકન્ડમાં આ દોડ પુરી કરીને નવો વિક્ર્મ સ્થાપ્યો જે 1954 સુધી અકબંધ રહ્યો.

દ્રઢ મનોબળ હોય તો કંઇજ અશક્ય નથી.પોતાની જાત પરની શ્રધ્ધા અને હકારાત્મક વિચારસરણીથી માણસ જે ધારે તે કરી શકે છે.

આનંદ કે દુ:ખ????

એકવાર સ્વામી વિવેકાનંદ કોઇ મોટા સ્મારકના નિર્માણનું કામ જોવા માટે ગયા. એમણે સમગ્ર સંકુલની મુલાકાત લીધી. હજારો કારીગરો કામ કરતા હતા. પરંતું વિવેકાનંદજીએ જોયુ કે બધા પથ્થર ઘડવાનું એક સમાન કામ કરતા હતા પરંતું કેટલાક આનંદથી તો કેટલાક દુખ સાથે કામ કરતા હતા. વિવેકાનંદજી વિચારમાં પડી ગયા કે કામ સરખુ છે વેતન પણ સરખુ છે તો પછી અહીંયા કોઇના ચહેરા પર આનંદ , કોઇના ચહેરા પર દુ:ખ અને કોઇ ને ના આનંદ કે ના દુ:ખ આવું કેમ ?

એ પહેલા એવા લોકોને મળ્યા જે દુ:ખી દેખાતા હતા અને એવા લોકોને પુછ્યુ કે,” તમે લોકો શું કરો છો ?” પેલ લોકોએ જવાબ આપ્યો , “ અરે મહારાજ શું કરીએ આ નસિબ નબળા કે કાળી મજુરી કરીએ છીએ અને દિવસો કાઢીએ છીએ. ગયા જન્મમાં કોઇ પાપ કર્યા હશે એના આ ફળ ભોગવીએ છીએ.”

પછી એવા લોકોને મળ્યા જેના ચહેરા પર ન તો આનંદ હતો કે ન તો દુ:ખ હતું અને એમને પણ આ જ સવાલ પુછયો. પેલા લોકોએ જવાબ આપ્યો , “ બસ જો આ ઘરસંસાર માંડ્યો છે તો હવે બૈરા છોકરાવને ખવડાવવું તો પડશે ને તે કામ કરીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ.”

છેલ્લે વિવેકાનંદ એવા લોકોને મળ્યા જેના ચહેરા પર આનંદ હતો અને આ જ સવાલ એમને પણ પુછ્યો. પેલાઓ એ પ્રસન્નતા સાથે જવાબ આપ્યો , “ અરે સ્વામીજી અમને તો આ દેશની મોટામાં મોટી સેવા મળી છે. આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતું આ સ્મારક બની રહ્યુ છે , ભવિષ્યમાં લાખો લોકો આ સ્મારકની મુલાકાતે આવશે અને આપણી સંસ્કૃતિનો પરિચય મેળવશે. અમે ખરેખર નસિબદાર છીએ કે ભગવાને આવા વિશાળ કામનો અમને હિસ્સો બનાવ્યા.”

વિવેકાનંદજીને તરત જ સમજાય ગયુ કે એક સમાન કામ અને એક સમાન વેતન હોવા છતા વિચારસરણી જ આનંદ કે દુ:ખ આપે છે. આપણા આનંદ કે દુ:ખ માટે આપણું કામ જવાબદાર હોય એના કરતા આપણો એ કામ પ્રત્યેનો દ્રષ્ટીકોણ વધુ જવાબદાર હોય છે.

કોઇપણ કામ હોય પછી એ ભણવાનું હોય , નોકરીનું હોય કે ધંધાનું હોય આ ત્રીજા પ્રકારના લોકો જેવી વિચારસરણી હશે તો કામ કરવાની મજા આવશે

સ્પર્ધા

એક યુવાન પોતાની બાઇક લઇને હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો એ જઇ રહ્યો હતો. એની નજર થોડી આગળ ચાલી રહેલી એક કાર પર પડી. કાર લગભગ 200-300 મીટર દુર હશે અને જરા ધીમે ધીમે ચાલી રહી હતી. યુવાનને થયુ કે હું મારા બાઇકની સ્પીડ વધારીને આ કારની આગળ નીકળી જાઉ.

વિચાર આવતા જ યુવાને બાઇકની સ્પીડ વધારી. કાર તો એની સામાન્ય સ્પીડથી ચાલી રહી હતી આથી ધીમે ધીમે કાર અને બાઇક વચ્ચેનું અંતર ઘટવા લાગ્યુ. બાઇક જેમ જેમ કારની નજીક પહોંચી રહ્યુ હતું તેમ તેમ યુવાનના ચહેરા પર કોઇને પાછળ રાખી દેવાનો આનંદ દેખાતો હતો.

થોડા સમયમાં એ યુવાન કારની લગોલગ પહોંચી ગયો. યુવાન અંદરથી ખુબ હરખાતો હતો કે મેં કારને પાછળ રાખી દીધી. એણે કારને ઓવરટેક કરી અને કારમાં બેઠેલી વ્યક્તિ સામે જોયુ. કારમાં બેઠેલી વ્યક્તિને તો કોઇ ખ્યાલ પણ નહોતો કે કોઇ એની સાથે રેસ લાગાવીને એને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. એ તો શાંતિથી કાર ચલાવી રહ્યો હતો.

કારને ઓવરટેક કરીને આગળ ગયેલા યુવાનને ખ્યાલ આવ્યો કે મારી આ જીતથી કાર વાળાને તો કંઇ ફેર નથી પડ્યો ઉલ્ટાનો હું કારને ઓવરટેક કરવાની લ્હાયમાં મારે જ્યાંથી વળાંક લેવાનો હતો તે રસ્તાથી પણ 2 કીમી આગળ આવી ગયો. હવે મારે મારે મારા ઘરે જવા માટે બે કીમી પાછું વળવું પડશે.

આપણે પણ કદાચ આવુ જ કરીએ છીએ. સહકર્મચારીઓ , પાડોશીઓ , મિત્રો , સગાવહાલાઓ આ બધાની સાથે સ્પર્ધા કરીએ છીએ અને આપણે એના કરતા આગળ છીએ તથા એના કરતા આપણું વધુ મહત્વ છે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે એમનાથી આગળ નીકળવામાં આપણી શક્તિ અને સમય ખર્ચીએ છીએ અને આગળ નીકળ્યા પછી ખબર પડે છે કે મારે જ્યાંથી વળાંક લેવાનો હતો એવા મારા સંબંધો તો પાછળ છુટી ગયા છે.

સફળતા

એક યુવાન સોક્રેટીસને મળ્યો. એણે સોક્રેટીસને પુછ્યુ, “ આપ ખુબ વિદ્વાન અને અભ્યાસુ છો મારે આપની પાસેથી જાણવું છે કે સફળતાનુ રહસ્ય શું છે?” સોક્રેટીસે કહ્યુ , “ સફળતાનું રહસ્ય જાણવું હોઇ તો તારે મારી સાથે આ નગરની બહાર આવેલા તળાવ પર આવવું પડશે” પેલો યુવાન આ માટે તૈયાર થયો એટલે સોક્રેટીસ એની સાથે ગામની બહાર આવેલા તળાવ પર ગયા.

સોક્રેટીસે યુવાનને કહ્યુ મારી સાથે તળાવના પાણીમાં ચાલ. થોડા ઉંડા પાણીમાં ગયા પછી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રનાથનું માથુ પકડીને પાણીમાં ડુબાડ્યુ હતુ એવી જ રીતે સોક્રેટીસે આ યુવાનનું માથુ પકડીને પાણીમાં ડુબાડ્યુ. યુવાનતો ડઘાઇ જ ગયો. સોક્રેટીસ પુરી તાકાતથી માથુ દબાવી રહ્યા હતા અને પેલો યુવાન બહાર આવવા માટે પુરા પ્રયાસ કરતો હતો. છેવટે પોતાના જીવ પર આવીને અને તમામ તાકાત લગાવીને સોક્રેટીસને ફેંકી દીધા અને પાણીની બહાર આવી ગયો.

યુવાને બહાર નિકળીને સોક્રેટીસને ન સંભળાવવાના શબ્દો સંભળાવ્યા. સોક્રેટીસે કહ્યુ , “ ભાઇ તારા આ ગુસ્સાને હું સમજી શકુ છુ પરંતું તારા આ સવાલનો જવાબ મારે બહુ સરળ રીતે આપવો હતો આથી મારે તારા પર આ પ્રયોગ કર્યો.”

યુવાન કહે , “ સફળતાના રહસ્યને અને આ પ્રયોગને શું લેવા દેવા ? સોક્રેટીસ કહે , “ તું જ્યારે પાણીમાં હતો ત્યારે તને સૌથી વધુ શાની જરુર હતી ?” યુવાન કહે , “ મને એકમાત્ર ઓકસિજનની જ જરુર હતી” સોક્રેટીસ કહે , “ તે સમયે તને ઓક્સિજન સિવાય બીજા ક્યા-ક્યા વિચારો આવતા હતા?” યુવાન કહે , “ શું વાત કરો છો તમે , આવી દશામાં ઓક્સિજન સિવાય બીજા કોઇ વિચાર આવે ખરા?”
સોક્રેટીસ કહે , “ બસ , બેટા સફળતાનું આ જ રહસ્ય છે. ધ્યેય પ્રાપ્તિની તિવ્ર ઝંખના હોય અને ધ્યેય સિવાય બીજા કોઇ જ વિચાર ન આવે ત્યારે સફળતા મળે.”

સફળ થવા માટે માત્ર ઇચ્છા હોઇ તેનાથી ના ચાલે ઇરાદો હોવો જોઇએ. અંદર એક આગ લાગવી જોઇએ અને એ આગમાં ધ્યેયપ્રાપ્તિના વિચાર સિવાયના બાકીના બધા જ વિચાર બળી જવા જોઇએ.

માર્ગદર્શન

15 વર્ષની ઉંમરના એક છોકરાને જુડો શીખવાની ખુબ ઇચ્છા હતી પરંતું એ એની ઇચ્છા પુરી કરી શકે તેમ ન હતો. આ છોકરાને નાનપણમાં જ અકસ્માત નડ્યો હતો અને એ અકસ્માતમાં એણે ડાબો હાથ ગુમાવી દીધો હતો. એક હાથથી જુડો માસ્ટર બનવું શક્ય નહોતું.

એક દિવસ આ છોકરો જુડોની તાલીમ આપનારા એક જાપાની શિક્ષક પાસે ગયો. શિક્ષકે છોકરાની બધી વાત સાંભળ્યા પછી કહ્યુ, ” બેટા, તને જુડો શીખવાની તીવ્ર ઇચ્છા છે માટે તારી કોઇ નબળાઇ તને જુડોમાં માસ્ટર બનતા અટકાવી નહી શકે. હું તને જુડો શીખવાડીશ અને તને જુડોમાં માસ્ટર બનાવીશ. મારી શરત એટલી છે કે હું જે પ્રમાણે કહુ તે મુજબ સખત મહેનત કરવાની અને મને કોઇ પ્રશ્નો નહી કરવાના.”

છોકરાએ શિક્ષકની શરત સ્વિકારી અને જુડો શીખવાની શરુઆત કરી. જુડોના આ શિક્ષકે છોકરાને જમણા હાથ અને બંને પગનો ઉપયોગ કરીને પ્રતિસ્પર્ધીને બરોબરની પછડાટ આપી શકે એવો દાવ શીખવ્યો. દાવ ખુબ મુશ્કેલ હતો પરંતું વારંવારની પ્રેકટીસથી છોકરાએ એ દાવ શીખી લીધો. માત્ર દાવ શીખ્યો એટલું જ નહી આ પ્રકારના દાવમાં એ માસ્ટર બની ગયો. શિક્ષકે છોકરાને આ દાવ પર વધુ પ્રેકટીસ કરવા માટે કહ્યુ.

છોકરાને થયુ કે ગુરુજી મને એક જ પ્રકારનો દાવ વારંવાર કેમ કરાવે છે ? હવે તો આ દાવ મેં પૂર્ણપણે શીખી લીધો છે. બીજો નવો દાવ કેમ નથી શીખવડતા ? ઘણા બધા સવાલો મનમાં ઉઠતા હતા પરંતું શરત રાખેલી હોવાથી ગુરુજીને કંઇ જ પુછી શકાય તેમ ન હતું. થોડા સમય પછી જુડોની નેશનલ ચેમ્પીયનશીપ થવાની હતી એમાં આ છોકરાને ભાગ લેવા માટે ગુરુજીએ તૈયાર કર્યો.

છોકરાને લાગતું હતું કે નેશનલ ચેમ્પીયન બનવાનું તો એક બાજુ રહ્યુ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં જ એ બહાર ફેંકાઇ જશે કારણકે એને તો માત્ર એક જ દાવ આવડતો હતો. બધાના આશ્વર્ય વચ્ચે આ છોકરો જીલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને છેવટે નેશનલ કક્ષાએ વિજેતા થયો અને નેશનલ ચેમ્પિયન બની ગયો. છોકરાને કંઇ સમજ જ ન પડી કે માત્ર એક જ દાવના આધારે એ નેશનલ ચેમ્પિયન કેવી રીતે બની ગયો ? એણે ગુરુજીને આ બાબતે પુછ્યુ.

ગુરુજીએ જીતનું રહસ્ય ખોલતા કહ્યુ, ” બેટા, મેં તને જે દાવ શીખવ્યો હતો તે સૌથી અઘરો દાવ હતો. વારંવારની પ્રેકટીસથી તે એ દાવને આત્મસાત કર્યો. આ એવો દાવ છે કે જેમાં નીચે પટકાયેલા માણસે વળતો પ્રહાર કરવા માટે તારા ડાબા હાથનો સહારો લઇને જ ઉભા થવું પડે. તારી પાસે તો ડાબો હાથ છે જ નહી એટલે તારો પ્રતિસ્પર્ધી તારા પર વળતો પ્રહાર કરી જ ન શકે.”

મિત્રો, જો પ્રબળ ઇચ્છા હોય અને સારા ગુરુનું માર્ગદર્શન હોય તો આપણી નબળાઇઓને જ આપણી મજબુતાઇમાં પરીવર્તીત કરીને જીંદગીના જંગમાં ચેમ્પિયન બની શકાય છે.

અહંકાર

એક શિલ્પકાર હતો. મૂર્તિઓ બનાવવામાં ખુબ નિષ્ણાંત. એવી મૂર્તિઓ બનાવતો કે જોનારા બસ જોયા જ કરે. કોઇ વ્યક્તિને જ્યારે આ મૂર્તિકાર પાસે ઉભો રાખી દો તો આબેહુબ એના જેવી જ મૂર્તિ બનાવે. કોઇ ઓળખી પણ ના શકે કે આ બંનેમાંથી પુતળું કયુ છે? અને સાચો માણસ ક્યો છે?

એક નિષ્ણાંત જ્યોતિષીએ આ મૂર્તિકારને કહ્યુ કે ભાઇ આજથી બરાબર 7 માં દિવસે તારુ મૃત્યું છે. હું મારી જ્યોતિષ વિદ્યામાં ક્યારેય ખોટો પડ્યો નથી એટલે તારી પાસે હવે જીવવા માટેના 7 દિવસ બાકી રહ્યા છે. શિલ્પકાર વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું આ 7 દિવસમાં ? એને અચાનક કંઇક સાવ જુદો જ વિચાર આવ્યો. ચાલોને એક કામ કરું આબેહુબ મારા જેવી જ 6 મૂર્તિઓ બનાવું અને આ બધી જ મૂર્તિઓની સાથે 7મો હું સુઇ જઇશ. જ્યારે યમદુતો મારો પ્રાણ લેવા આવશે તો મને ઓળખી જ નહી શકે અને મારો પ્રાણ લીધા વગર પાછા જતા રહેશે.

6 દિવસમાં આ મૂર્તિકારે બિલકુલ પોતાની ઝેરોક્ષ કોપી જેવી જ મૂર્તિઓ બનાવી. એના મૃત્યુંના દિવસે એ આ 6 મૂર્તિઓની સાથે સુઇ ગયો. સમય થયો એટલે યમદુતો એનો પ્રાણ લેવા માટે આવ્યા. જેવા મૂર્તિકારના ઘરમાં પહોંચ્યા કે બધા દુતોની આંખો પહોળી થઇ ગઇ કારણ કે 7 વ્યક્તિઓ એક જ સરખી હતી હવે આમાંથી કોના પ્રાણ લેવા.

યમદુતોએ અંદરો અંદર વાત શરુ કરી. એક દુતે બીજાને કહ્યુ , ” આ શિલ્પકાર મૂર્તિઓ બનાવવામાં કેવો નિષ્ણાંત છે. બધી જ મૂર્તિઓ એક સરખી બનાવી છે જરા પણ ભુલ. મને લાગે છે કે આ મૂર્તિકાર દુનિયાનો સૌથી સારો શિલ્પકાર છે. ” બીજા દુતે પહેલા દુતને અટકાવતા કહ્યુ , ” ના ભાઇ ના , આ શિલ્પકાર કરતા તો આ ધરતી પર બીજા ઘણા સારા મૂર્તિકારો છે આ મૂર્તિકાર તો એની પાસે નાનુ બચોલિયું કહેવાય”

વાત સાંભળી રહેલો મૂર્તિકાર તુરંત જ ઉભો થયો અને બોલ્યો , ” મારા કરતા વધુ સારો મૂર્તિકાર કોણ છે આ જગતમાં મારે એ જાણવું છે.” બંને દુતો એકબીજા સામે જોઇને હસી પડ્યા અને મૂર્તિકારનો પ્રાણ લઇને જતા રહ્યા.

માણસ ત્યાં સુધી જ જીવી શકે છે જ્યાં સુધી એનો અહંકાર મરેલો હોય જે દિવસે અહંકાર જીવતો થાય ત્યારે માણસ મરી જાય છે.

મીઠું ઝેર

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો પહેલેથી જ સ્વર્ગે સીધાવેલા એટલે સાસુમાંને સાચવવાની જવાબદારી આ નવી પરણીને આવેલી વહુની જ હતી. સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ.

છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યુ. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યુ, ” મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ નહીતર હું મરી જઇશ.”
મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યુ, ” બેટા. જો તું આવુ કરીશ તો તારે જીંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે.” છોકરીએ કહ્યુ, ” મમ્મી મને જલદી એ ઉપાય જણાવ.”

મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યુ, ” હું તને એક દવા આપીશ. એ ધીમુ ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહી જાય.” બીજા દિવસે માએ દિકરીને એક દવા આપી. દિકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઇ જશે.

દિકરી સાસરે જવા વિદાઇ થઇ ત્યારે માએ એને કહ્યુ, ” બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમ્યાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઇ ટક ટક કરે એ બધુ સાંભળી લે જે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે.”

બીજા દિવસથી વહુ સાવ બદલાઇ ગઇ. વાત વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવુ ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધુ. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધુજી ઉઠી.

પિયર જઇને મમ્મીને કહ્યુ, ” મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખુબ પ્રેમ કરે છે. હવે એ ખુબ લાંબું જીવે એવુ હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે.” મમ્મીએ હસતા હસતા કહ્યુ, ” બેટા, હું તારી માં છું અને તારા ઉજવળભાવીનો હંમેશા વિચાર કરુ છું મે તને ઝેરી દવા આપી જ નહોતી એ તો માત્ર શક્તિવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે.”

મિત્રો, આપણે કોઇને બદલવા માંગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે.

પ્રેમ…

કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. બંને એક બીજા વગર રહી શકતા ન હતા. કોલેજ પુરી થયા બાદ બંને એ પોતપોતાના ઘરે આ બાબતમાં વાત કરી. શરુઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે રાજી થયા.

છોકરાને હજુ વધુ અભ્યાસ માટે વિદેશ જવુ હતુ અને આ માટે સ્કોલરશીપ પણ મળી હતી. હાલ પુરતી બંનેની સગાઇ કરવાનું નક્કી થયુ. સગાઇ થયા બાદ છોકરો વિદેશ ભણવા માટે જતો રહ્યો પણ રોજ રાત્રે થોડીવાર ફોન પર પોતાની ભાવી પત્નિ સાથે વાત કરી લે. એકદિવસ છોકરીને એક અકસ્માત નડ્યો. એનો જીવ તો બચી ગયો પણ જીભ ચાલી ગઇ. ડોકટરે કહ્યુ , ” આ છોકરી હવે એની જીંદગીમાં ક્યારેય નહી બોલી શકે.” તે દિવસે રાત્રે પેલા છોકરાના અસંખ્ય કોલ આવ્યા પણ જવાબ કોણ આપે ?

છોકરાએ જુદી જુદી રીતે સંપર્ક કરવાનો ખુબ પ્રયાસ કર્યો પણ કોઇ રીતે સંપર્ક થયો નહી. છોકરીએ પોતાના પિતાને લખીને સમજાવ્યુ કે એ હવે છોકરાનું જીવન બરબાદ કરવા નથી માંગતી કારણકે છોકરો ખુબ બોલકો છે અને હું એની સાથે વાત કરી શકુ તેમ જ નથી તો જીવન કેમ પસાર થાય ? છોકરીના કહેવાથી એના પિતાએ શહેર પણ બદલી નાંખ્યુ અને બીજા શહેરમાં રહેવા માટે જતા રહ્યા. છોકરીએ પોતાની બહેનપણી દ્વારા ફોન કરાવીને છોકરાને કહેવડાવી દીધુ કે એ કોઇ બીજી છોકરી શોધી લે. થોડા દિવસ છોકરાના ખુબ કોલ આવ્યા પણ પછી કોલ આવતા બંધ થઇ ગયા.

છોકરીને લાગ્યુ કે એ હવે મને ભૂલી ગયો હશે. છોકરી એ છોકરાને યાદ કરીને રોજ રડ્યા કરતી. એકાદ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો. એકદિવસ છોકરીની બહેનપણી એના ઘરે આવી અને કહ્યુ , ” પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે એના લગ્નની કંકોત્રી મને મળી છે. છોકરીની આંખમાં આંસુ આવી ગયા. મને સાવ ભૂલી ગયો એ હવે! એને એક પણ વખત મને મળવાનો વિચાર ન આવ્યો ? શું પ્રેમ આવો હોય ? આવું વિચારતા વિચારતા એણે કંકોત્રી હાથમાં લીધી અને એ છોકરાની સાથે પોતાનું નામ વાંચીને આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ.

હજુ કંઇ બોલે એ પહેલા જ છોકરો એની નજર સામે પ્રગટ થયો અને છોકરીને બોલીને નહી પરંતું સાંકેતીક ભાષામાં કહ્યુ , ” મેં લગ્ન માટે તને આપેલુ વચન મને યાદ છે. મને માફ કરજે આ એક વર્ષ જેટલો લાંબો સમય લેવા બદલ કારણકે આ સમય દરમ્યાન હું સાંકેતિક ભાષા શીખી રહ્યો હતો. હવે હું તારો પતિ જ નહી તારો અવાજ પણ બનીશ.”

તમે જેને દિલથી ચાહો છો એના પર વિશ્વાસ પણ રાખજો. કેટલીકવાર પ્રિયજન તરફથી કોઇ પ્રતિઉતર ન મળે ત્યારે તમે જેવું વિચારો છો એના કરતા વસ્તવિકતા કંઇક જુદી પણ હોઇ શકે.

વિચારસરણી

એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો ” લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા.”

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, ” તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો.” શેઠે કહ્યુ, ” કેમ એવુ ? ” શેઠાણીએ કહ્યુ, ” ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે.” સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.

મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, ” ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા.”

નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?

મારી માં

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, ” ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી….”

હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, ” મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? ” પતિએ હળવેથી કહ્યુ, ” હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? “

પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, ” તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ.”

બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો. એમણે પતિને પુછ્યુ, ” આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ? ” પતિએ દબાતા અવાજે કહ્યુ, ” મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો.”

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી ” મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ.”

નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, ” બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા.” પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.

પતિએ પત્નિ કહ્યુ, ” તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ? ”

દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે. દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?